Youngistan-64,રસપાત્રા, ખમણ, ઈંડા અને માંસાહારનો ‘ગોટાળો’!

યંગિસ્તાન –  ૬૪   

ડેઈટ ઓફ પબ્લિકેશન – ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૬   

હેડિંગ રસપાત્રા, ખમણ, ઈંડા અને માંસાહારનો ‘ગોટાળો’!

1આપણે ગુજરાતીઓ એટલા સુંવાળા કે ૫૦૦ ફુટ દુર ઉભેલી આમલેટની લારી થી પણ આપણી ધાર્મિક લાગણીઓ દુભાઈ જાય છે. આપણે આપણાથી સહેજ જુદો મત કે સ્વભાવ પણ ચલાવી નથી લેતા તો જુદો ખોરાક તો કેમ ચલાવી લઈએ? ‘અન્ન એવું મન’ એવી કહેવત આપણે બનાવી તો ખરા, પણ સાથે સાથે વ્યક્તિગત લેવલ પર આપણે ખોરાકને ધાર્મિકતા સાથે જોડી દીધો અને છેલ્લા થોડા વર્ષોમાં રાજકારણીઓ એ ખોરાકને રાજકારણ સાથે. ગાય ભલે કોઈ રાજકીય પાર્ટીનું ચિહ્ન નથી પણ ગાય દુધની સાથે વોટ પણ આપે છે એ હકિકત છે!

ઉત્તરપ્રદેશમાં દાદરી વાળી ઘટનામાં મોહમ્મદ અખલાક પર કેટલાક કહેવાતા હિંદુધર્મનાં ઠેકેદારો એ બીફ ખાધું છે એવો શક કરી જાહેરમાં અખલાક અને એના પુત્ર દાનિશ પર હુમલો કર્યો. અખલાક તો મૃત્યુ પામ્યો અને પછી દેશમાં જે ‘ઇનટોલરન્સ’ ની બબાલ શરુ થઇ એ તો સૌ જાણે છે. અહીં આપણે વાત કરવી છે ‘ફુડ ડિવાઈડ’ની. ખોરાક પર થી વ્યક્તિનું ચરિત્ર નક્કી થઇ જાય, આમલેટની લારી જોઇને પણ લોકો મોઢું બગાડે ત્યારે આ લખનારને કેટલાક સવાલો થાય છે જેની અહીં વાત કરવી છે.

શું તમે ઈંડા નથી ખાતા તો બીજા લોકો પણ ન ખાય? ટીવી પર NECC (નેશનલ એગ કો-ઓર્ડીનેશન કમિટી) ની ‘સન્ડે હો યા મન્ડે, રોઝ ખાઓ અન્ડે’ જાહેરાત આવે તો પણ મોં બગાડતા લોકો મનોમન એવો સંતોષ લે છે કે ‘અમે આવું બધું ન ખાઈએ હો!’. એગલેસ કેક જેવી વસ્તુઓનો તો કન્સેપ્ટ જ આ વાત પર થી આવ્યો છે. શું તમે તમારા દૈનિક આહારમાં કેટલી વસ્તુઓમાં ઈંડા હોય શકે છે એ જાણો છો? વાતનો કોઈ તાર્કિક એન્ગલ ન મળે એટલે કોઈ ને કોઈ રીતે એને ધર્મ કે સંસ્કાર સાથે જોડી દેવામાં આવે એ સૌથી સહેલો શોર્ટકટ છે.

સબ વે, કેએફસી, મેક ડોનાલ્ડ જેવી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેઈન્સમાં રવિવારે લાખો ગુજરાતીઓ જઈને દરેક વેજીટેરિયન વસ્તુઓ ખાય ત્યારે ત્યાં એવો ઠાલો સંતોષ લે કે એ તો અહીં બધું અલગ અલગ રાખવામાં આવતું હોય. બીજી તરફ હોટેલમાં અગર નોન વેજીટેરિયન ફૂડ મળતું હોય તો રસોડું તો એક જ હોવાનું તો તમે ત્યાં કંઈ નથી કરી શકવાનાં અને ત્યારે દરેક સિદ્ધાંતો સગવડપૂર્વક ભુલાવી દેવામાં આવે છે.            

2બીજી તરફ ગુજરાતીઓનો એક મોટો વર્ગ છે જેને ચિકન, મટન અને ફિશ બહુ જ ભાવે છે પણ એને અંદર થી બીક છે કે જો ઘરે કે સમાજમાં ખબર પડશે કે પોતે નોન વેજીટેરિયન ફુડ લે છે તો પોતાની શું ઈમેજ બનશે? પરિણામે આપણા સમાજમાં ‘મંગળવારે નહિ ખાવાનું’, ‘માત્ર ઈંડા’, ‘ક્યારેક ક્યારેક ઓકેઝ્નલી’ એવા બધા ચોંચલાઓ શરુ થયા. તમે ખાવ છો તો પછી ઠોકબજાવીને ખાવ ને, શાકાહારી માણસોમાં જ નીતિમતા છે? માંસાહારીઓ શું પાપીઓ છે? વેલ્યુઝ અને સંસ્કાર કોણ નક્કી કરે?

આપણી આસપાસ અત્યારે ગૌ રક્ષકોનો રાફડો ફાટ્યો છે ત્યારે સૌ જાણે છે કે ગૌ રક્ષાને નામે કેવી ગુંડાગર્દી ચાલી રહી છે. પણ, ના સમાજ બહુ સગવડિયો છે. એક બાજુ પશુઓની કતલ થતી રહે છે એમાં તોડપાણી થતા રહે છે અને બીજી બાજુ ક્ષુલ્લક રીતે ચર્ચાશુરાઓ શાકાહાર અને માંસાહારનાં ગ્રુપ ડિસ્કશનમાં રચ્યાપચ્યા રહે છે. બોઈલ્ડ એગ્સ અને આમલેટ દેશનાં બધા જ હિસ્સાઓમાં સવારે નાસ્તામાં ખવાય જ છે, પ્રોટિન અને વિટામીન D અને B12 થી ભરપુર એવો આ હેલ્ધી ખોરાક અહીં ગુજરાતમાં નથી ખવાતો એની પાછળનું સૌથી મોટું કારણ આપણી ફેબ્રિકેટેડ સામાજિક વેલ્યુઝ છે. અહીં લોકોને બહાર ફરવા જાય ત્યારે પણ પાત્રા, ખમણ અને ભજીયા જોઈએ છે.

ગુજરાતી કમ્યુનિટી ખુબ જ ફરે છે, વિશ્વ આખામાં ફરતો ગુજરાતી ખબર નહી કેમ પણ ખોરાકની બાબતમાં બહુ પ્રયોગશીલ નથી. જૈન લોકો ગોવા કે આંદામાન જઈને પણ નોનવેજ તો છોડો પણ ડુંગળી-લસણ-બટેટા વગરનું ફૂડ માંગે છે! બીજો એક વર્ગ ‘સ્વામિનારાયણ ફૂડ’ તરીકે અસ્તિત્વમાં આવ્યો છે જે કંદમૂળ તો ખાય છે પણ માત્ર ડુંગળી-લસણ નથી ખાતો. ખાખરાનો સ્વાદ ખિસકોલી શું જાણે એ કહેવત કદાચ ગુજરાતીઓની લિમિટેડ ફૂડ હેબિટ્સ પર થી જ અસ્તિત્વમાં આવી હશે! 

સિક્કાની બીજી બાજુ એવી પણ છે કે જે લોકો માંસાહારી છે, જે ચિકન બિરિયાની મોજ થી ઝાપટે છે એ વેજીટેરિયન્સને ઉતારી પાડે છે! તમે ચિકન કે મટન કબાબ કે બિરિયાની ન ખાધી તો જિંદગીમાં શું ખાધું? આ ખયાલ જ આખો વાહિયાત છે. એકબીજાની ફૂડ હેબિટ્સને સમજીને સ્વિકારીને ચાલવાની વાત છે. વાતને જયારે ધાર્મિક એન્ગલ આપી દેવામાં આવે ત્યારે લોકો એક છુપા ડર થી વાતને અનુસરતા થઇ જાય છે, ઝાઝું કોઈ લોજિક લગાડવાની જરૂર નથી પડતી.

veg-pydઆ લખનાર પોતે એગ્સ ખાય છે અને એ વાતને સંપૂર્ણ રીતે સમર્થન આપે છે કે ખાવાપીવાની બાબતમાં કોઈ નિયમો ન હોય. અનુકુળ આબોહવા, ઠંડી ગરમી અને તમારી પોતાની વિચારસરણી પ્રમાણે તમારે જ નક્કી કરવાનું છે કે તમારે શું ખાવું છે. મોઢું બગાડવાથી કે ન ખાઈને કોઈ મોટો મિર માર્યાનો દંભ કેળવવાથી કંઈ સાબિત થતું નથી. આ વાત થોડી સાદી સમજ અને ચાલી આવતી પરંપરાઓ થી હટકે છે એટલે તરત એક્સેપ્ટ નથી થવાની, પણ સાવ સુંવાળા ન બની ને જરા શિયાળામાં કે કોઈ પણ મહિનામાં ઈંડાની લારીએ ગુજરાતીઓની જામતી ભીડ જોજો. અહીં ઉઠાવેલા દરેક સવાલોનાં જવાબો મળી જશે! મશરૂમને નોનવેજ ગણીને જોઇને જ મોં બગાડતો એવરેજ ગુજરાતી ક્યારેય કોઈ અભ્યાસ નથી કરતો અને કોઈ વાતનાં મૂળમાં જઈને તથ્ય નથી જાણતો એટલે જ કદાચ આપણા ગુજરાતીઓ બહાર ચોરીછૂપી થી નોનવેજિટેરિયન અને ઘરે શુદ્ધ શાકાહારી બની જતા હશે!          

પાઈડ પાઈપર:

ગુજરાતીઓ દારૂની બાબતમાં જે દંભ પાળે છે એ જ દંભ ખાવા પીવાની બાબતમાં પણ પાળે છે એ હકિકત છે!

bhavinadhyaru@gmail.com 

Published in Phulchhab on 21st September, 2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s