આમ તો એવું કહેવાય છે કે એક એવરેજ ગુજરાતીનું સપનું ફરવા જવું એટલે માત્ર ‘પીવા’નાં હેતુ થી જવું અને એટલે જ દીવ, દમણ અને રાજસ્થાન એ પહેલી પસંદ હોય છે! કેટલાક એવા શહેરો અને વિસ્તારો હોય છે જેની સાથે તમને મહોબ્બત થઇ જાય છે, જ્યાં કોઈ કામ કાજ કે ફિકર વગર હિપ્પી બનીને બસ ફરવું ગમે. ચારેબાજુ, દરિયો હોય, બીચ અને બિયર વચ્ચે કિલ્લાઓ, લીલી વનરાજી અને ભેજ વાળી ઠંડી હવામાં વારંવાર વરસાદ હાઉકલી કરતો હોય! આહ, લાઈફમેં ઔર ક્યા ચાહિયે જનાબે આલિ?
અમદાવાદ થી લગભગ ૧૨૦૦ કિલોમીટર દુર એવું એક રાજ્ય, એક એવું ડેસ્ટીનેશન જે બારેમાસ સતત પ્રવાસીઓની કોલાહલથી બિઝી રહેતું હોય. યસ, અહીં ગોવાની જ વાત થાય છે. પણ ખરેખર ગોવા દારૂ અને બીચ થી ઘણું વધારે છે. નોર્થ અને સાઉથ એમ બે હિસ્સામાં વહેંચાયેલું ગોવા પ્રવાસીઓ ભલે ઉપરછલ્લું જોઈ નાંખતા હોય પણ ગોવા ને જેટલું જુવો, જેટલું માણો એટલું ઓછું છે. સત્તાવાર રીતે માત્ર ૧૮ લાખની વસતી ધરાવતું ગોવા એનાં કરતા વધારે તો પ્રવાસીઓની સાક્ષી બને છે.
ગોવાનું કલ્ચર એકદમ રિચ છે, અહીનાં મકાનોની બાંધણી અને શેરી-રસ્તાઓ પર પોર્ટુગીઝ કલ્ચરનો ખાસ્સો પ્રભાવ છે. વિસ્તાર ઓછો હોવાથી થોડું ક્રાઉડેડ, થોડું ગીચ લાગે પણ ગોવા મજા પડે એવું છે. અહીં પહેલી નજરે એવું લાગે કે રહેણાંક મકાનો કરતા તો હોટેલ્સ વધુ છે. ભાષા ભલે કોંકણી હોય પણ બોલચાલ અને લહેકામાં મરાઠીનો ખાસ પ્રભાવ જોવા મળે છે.
નોર્થ ગોવા બીચ થી ભરપુર છે. કલંગુટ, બાગા અને કેન્ડોલિમ બીચ લાલ રેતી અને લાલ માટી થી છવાયેલા અતિશય ભીડભાડ વાળા બીચ છે અને એટલે જ તમે અગર સુકુન શોધી રહ્યા છો તો આ બીચ તમારા માટે નથી. વાગાટર, સિન્કેરીમ, અંજુના, અરમ્બોલ, મેન્ડ્રીમ અને મોર્જિમ બીચની સફેદ રેતી અને નોર્થ ગોવાની ભીડભાડ થી દુર થોડી શાંતિ આપે છે. દુર સુધી ફેલાયેલી નાળિયેરીઓ અને નિરવ શાંતિ એક અલગ જ દુનિયાનો અહેસાસ આપે છે.
ગોવા આવીએ અને કાજુ ન ખાઈએ એવું બને? પ્લેઈન, ફોતરા વાળા, સોલ્ટેડ અને મરી-મરચા વાળા કાજુ લગભગ ૫૦૦ થી ૬૦૦ રૂપિયા કિલો એ મળી જાય, અહીં આપણા ગુજરાતીઓની બાર્ગેઈન કરવાની આવડત કામ આવે છે. ગોવાનું ફૂડ પણ એટલું જ વખણાય છે પણ ખાટલે મોટી ખોડ એ હોય છે કે આપણે રહ્યા વેજીટેરિયન એટલે ત્યાંની સ્પેશિયલ વરાયટી જેવી કે ફ્રાઈડ ફિશ, ફિશ કરી, લોબસ્ટર અને પ્રોન્સ ખાધા વગર જ સંતોષ માનવો પડે છે.
ગોવાનાં લોકો ‘ગોઅન’ તરીકે ઓળખાય છે, અહીં નાં લોકો આમ તો સ્વભાવે મિલનસાર છે પણ ફરવા જઈએ ત્યારે કાર ભાડે કરવામાં કે કોઈ પણ વ્યવહાર કરતી વખતે થોડી કાળજી થી ડિલ કરવી હિતાવહ છે કારણકે અહીં છેતરાવાનો ડર સતત રહે છે. ટેટુ (પરમેનેન્ટ અને ટેમ્પરરી) અને સ્પ્રે પેઈન્ટ ટીશર્ટની પણ સારી એવી લોકપ્રિયતા છે, ચારેકોર માર્કેટમાં ટેટુ કરાવવાની દુકાનો નજરે પડે છે. ગોવાનું પોતાનું કોઈ સ્પેશિયલ ફ્રુટ કે વરાયટી નથી એટલે માર્કેટમાં તમે હાથ બનાવટની બેગ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, સ્વિમિંગ કોસ્ચ્યુમ્સ ખરીદી શકો છો, માથા પર બાંધવા માટે સરસ ‘બંધાના’ કહેવાતું કપડું મળે છે જે ખરીદી શકાય.
ગુજરાતી છોકરીઓ ગુજરાતમાં ભલે ડ્રેસ કે સાડા જિન્સમાં ફરતી હોય પણ ગોવા આવીને લો નેક ટોપ, ટેન્ક ટોપ અને હોટ પેન્ટસ માં આવી જાય છે. ઘણી વાર રેગ્યુલર ન પહેરતા હોવાથી જાહેરમાં વોર્ડરોબ માલફંક્શન થઇ જાય એવું પણ બનતું હોય છે. ગુજરાતી છોકરીઓ કરતા પંજાબી કે મરાઠી છોકરીઓનાં વાઈટલ ફિચર્સ વધુ સારા હોવાથી ટુંકા અને સેક્સી કપડા એમને વધુ સારા લાગે છે.
હોટેલ્સમાં મળતા કોમ્પલીમેન્ટરી સ્વિમિંગ પુલનો ઉપયોગ સૌથી વધુ ગુજરાતીઓ અને એમાં પણ કાઠીયાવાડીઓ કરતા જોવા મળે છે. ચોમાસામાં ચાલુ વરસાદે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતી પ્રજાતિ માત્ર ગુજરાતી જ હોઈ શકે! સ્વિમિંગ પુલમાં પણ એન્જોય કરવાનાં બદલે આ લોકો પોતાનાં કપડા સંભાળવામાં જ વધુ વ્યસ્ત રહે છે. હા, એટલી ક્રેડિટ આપવી પડે કે ગુજરાતીઓ જ સૌથી વધુ ફરતા હોવાથી મોટા ભાગનાં ટુરિસ્ટ ડેસ્ટીનેશન્સ ગુજરાતીઓનાં પૈસા થી જ ચાલે છે.
ગોવાનો કોઈ સૌથી સારો આસ્પેક્ટ હોય તો એ છે ભાડે મળતા વાહનો! ટુ-વ્હિલર ભાડે મળે તો પછી તમે લગભગ રાજા થઇ જાવ છો, મરજી પડે એ દિશામાં અને એ બીચ કે ફોર્ટ તરફ લીલોતરી વચ્ચે ટુ-વ્હિલર ચલાવવાની મજા અવર્ણીય છે! ૩૦૦-૪૦૦ રૂપિયામાં તો સરસ નવું નક્કોર સ્કુટર કે બાઈક ચલાવવા મળી જાય છે, જે લગભગ ૧૨ કલાક માટે ભાડે મળે છે. ગોવામાં પેટ્રોલ પંપ કરતા બોટલમાં પેટ્રોલ વધુ વેચાય છે.
અહીં આવતા બુધવારે ગોવાની સંસ્કૃતિ, ગોવા કાર્નિવલ અને ફિલ્મ ફેસ્ટિવલ અને સાઉથ ગોવાની વાતો કરીશું!
પાઈડ પાઈપર:
સાઉથ ગોવા એ નોર્થ ગોવા કરતા બિલકુલ અલગ છે! પણજીની કાર્નિવલ પ્લેસ પર આવીએ તો બ્રાઝિલનાં રિયો માં આવ્યા હોઇએ એવું લાગે. મંડોવી નદી પર થી આવતી ઠંડી હવા અને આ પણજી સર્કલ વિસ્તાર, એવું કહેવાય છે કે ૯ બ્રેડા પિલ્લર્સ એ પહેલા ફિલ્મ ફેસ્ટિવલ વખતે અહીં બાંધવામાં આવેલા. આ દરેક પિલર 41 ફિટ નો છે, જેનાં પર ગોઅન કલ્ચર શ્વેતા સિઁન્ગબલ એ કંડારેલું છે,જે એક અચિવમેન્ટ થી કમ નથી….
bhavinadhyaru@gmail.com
Published in Phulchhab on 7th September, 2016
Vaah…
LikeLike