Youngistan-53 જર્ની ઇન ટ્રેઈન : ભારતીય માનસિકતાનો લિટમસ ટેસ્ટ!

યંગિસ્તાન ૫૩      

ડેઈટ ઓફ પબ્લિકેશન – ૦૬ જુલાઈ, 2016

હેડિંગ જર્ની ઇન ટ્રેઈન : ભારતીય માનસિકતાનો લિટમસ ટેસ્ટ!

IMG_20160531_210511ઓક્ટોબર ૨૦૧૪ થી વર્તમાન સરકારે ભલે ‘સ્વચ્છ ભારત’ અભિયાન જાહેર કર્યું, પણ અમલવારી હજુ ગોકળગાયની જેમ જ દેખાઈ રહી છે. છતાં, થોડા વર્ષો પહેલા રેલ્વે સ્ટેશનોની જેવી હાલત હતી એનાં કરતા ઘણી સારી છે. હવે સ્વચ્છ ભારતનાં બ્રાન્ડિંગ વાળી કચરાપેટીઓ અને પ્લાસ્ટિકની થેલીઓ દેખાય છે, લોકો પહેલા કરતા થોડા વધુ જાગરુક બન્યા છે. રેલ્વેટ્રેક પર મળ અને કચરાની નિયમિત રીતે પાણીનાં ફુવારા મારીને સફાઈ કરવામાં આવે છે. બસ, એ સિવાય ખાસ કોઈ ફર્ક નથી આવ્યો. પણ વાત ફક્ત સ્વચ્છતાની નથી, વાત છે ભારત અને ભારતીય માનસિકતાનો અભ્યાસ કરવાની એક તક મળે એની!

અહીં આજથી આપણે ત્રણ અઠવાડિયા સુધી પંજાબ અને હિમાચલ યાત્રા આલેખીશું, જેમાં આજે આપણે ભારતીય ટ્રેઈન અને જર્ની ઇન ટ્રેઈનની વાત કરીશું. ઇન્ડિયન રેલ્વે એ સત્તાવાર રીતે સમગ્ર દુનિયાનું સૌથી મોટું રેલ્વે નેટવર્ક છે. અમદાવાદનાં કાલુપુર રેલ્વે સ્ટેશન પહોંચીએ એટલે લોકોની દોડાદોડી અને રેલવેનાં ટાઈમટેબલ આપણને ઘેરી વળે. કુલીઓ ફિલ્મોમાં ભલે ગ્લેમરસ લાગતા હોય પણ જયારે સામાન ન ઉંચકી શકીએ એટલો લીધો હોય ત્યારે પરાણે પણ કુલી કરવા પડે! ત્યારે એમને જોઇને આપણી અંદરનો હ્યુમન રાઈટ્સ કમિશન વાળો માણસ જાગરુક થઇ જાય પણ શું કરીએ? ભાવતાલ કરીને પણ કુલીની મદદ લેવી જ પડે.

જયારે બજેટ થોડું ઓછું હોય અને સમયની પાબંદી ન હોય ત્યારે ટ્રેઈન મુસાફરી આશિર્વાદ જેવી લાગે છે! બારીની બહાર સતત આવતા સ્ટેશન અને બદલાતા જતા રાજ્યો ભારતનું કલ્ચર સૌથી વધુ નજીકથી બતાવવાની તાકાત ધરાવે છે. અમદાવાદ થી અમૃતસર જતા મહેસાણા-પાલનપુર વટાવતા રાજસ્થાન શરુ થાય છે! આબુ આવે તો કોઈ કહે એટલે સ્ટેશન પર ઉતરી રબડી ખાવાની લાલચ થઇ આવે, આગળ જતા જોધપુર ભલે મોડી રાત્રે આવવાનું હોય પણ સાથે તમારા કંપાર્ટમેન્ટમાં બેસેલા પ્રવાસીઓ તમને પાનો ચઢાવે કે ચાલો નીચે ઉતરીને અહીંનાં મિર્ચીવડા લઈએ! એ લાયમાં તમે ટ્રેનમાં જે ખાધું હોય એ બધું અવગણીને પણ પેલા મિર્ચીવડા લેવા નીચે ઉતરો તો ખરા જ!

IMG_20160531_135221બીજી જે ઉડીને આંખે વળગે એ વાત છે રેલ્વેસ્ટેશનનાં બોર્ડ્સ! એકસરખા પીળા રંગમાં આવતા પાટિયાઓ અને સ્પીડમાં પસાર થઇ જતા સ્ટેશનોને તમે બસ જોયા જ કરો, એમાં પણ પંજાબમાં તો કાલા બકરા, હીબોવાલ કલન (આ કલન એટલે કસબો, મુળ ગામઠી પંજાબી શબ્દ છે), છાન અરોરિયાં જેવા ગામનાં નામ તો તમને અચરજ પમાડે! હિન્દી અને અંગ્રેજી સાથે ગુજરાતી થી લઈને પંજાબી, ઉર્દુ ભાષાઓ રેલ્વે સ્ટેશનનાં નામને શોભાવે! કેટલી વિવિધતા છતાં બધા સહજ રીતે એને સ્વિકારીને આગળ વધે! જેટલું ઓબ્ઝર્વ કરો એટલું ઓછું, કેટલું લખવું અને કેટલું વાંચવું એ જ અવઢવમાં તમે ખોવાયેલા રહી જાવ છો. રેલ્વેની ટિપિકલ હિન્દી, સ્ટેશન પર મળતી પૂરી-ભાજી, વ્હિલરનાં બુક સ્ટોલ પર મળતી કિતાબો, વેદ પ્રકાશ શર્માની પોકેટ બુક્સ, અને વિવિધ અંગ્રેજી-હિન્દી છાપાઓની નવી નવી આવૃતિઓ તમને આશ્ચર્ય ચકિત કરી દે છે.

ટ્રેનમાં તમને અલગ અલગ રાજ્યોનાં લોકો સાથે વાતો કરવાની, અને એમની માનસિકતાનો અભ્યાસ કરવાની જે તક મળે એ અનન્ય હોય છે, ગેરંટી છે કે એ બીજે ક્યાંય ન મળે! ક્યારેક કોઈ RSS નાં પ્રચારકો મળી જાય તો કોઈ એક્ટિવિસ્ટ, કોઈ મોટું કુટુંબ જાન લઈને લગ્ન કરવા જઈ રહ્યું હોય અને એક આખો કોચ લીધો હોય એવું પણ બને, કોઈ નોનગુજરાતી વળી ગુજરાતની રાજકીય પરિસ્થિતિ, સામાજિક સલામતીનાં વખાણ સાંભળો તો કોલર ઊંચું કરવાની ઈચ્છા થાય.

પોતાના ઘરમાં ભલે રાત્રે સાડા નવ વાગે જમવા બેસતા હોય પણ ટ્રેનમાં જયારે મુસાફરી કરો ત્યારે લગભગ સાડા સાતે જ લોકોને ભૂખ લાગી જતી હોય છે! અથાણાનાં ડબ્બાઓ, થેપલા-ખાખરા, છૂંદો, લાડુ અને કંઈ કેટલીય વાનગીઓ ગુજરાતીઓ ખોલે છે. તો વળી નોન ગુજરાતીઓ છોલે કુલચા, ટ્રેનમાં મળતી થાળી અને ચિકન બિરિયાની ઝાપટવા તૈયાર થઇ જાય છે. લગભગ નવ વાગતા જ લાઈટ્સ ઓફ થવા લાગે, એક ચાર્જર સોકેટમાં થ્રિપીન લગાવીને ચાર સ્માર્ટફોન ચાર્જ થતા જોવા મળે! ઉપરનાં બર્થમાં ચઢીને ત્યાંની રિડિંગ લાઈટ ચાલુ કરી બુક વાંચવાની જાહોજલાલી કોઈ બિઝનેસ ક્લાસની ફ્લાઈટને પણ આંટી જાય એવી હોય છે!

DSC02286રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસમાં તો હવે ફ્લાઈટની જેમ દરેક સ્ટેશન પહેલા અનાઉન્સમેન્ટ થતી સાંભળવા મળે છે! સવારે છાપું વાંચવા મળે છે, ફેરીયાઓને પ્રવેશ નથી અને રેલ્વેનું ઇનહાઉસ સરસ અંગ્રેજી મેગેઝિન પણ વાંચવા મળી જાય છે! તમારા ફોનમાં રાજ્યો બદલાતા રોમિંગનાં મેસેજીસ આવતા રહે છે! ‘વેલકમ ટુ હરિયાણા’ કે ‘વેલકમ ટુ પંજાબ’ આવે ત્યારે એક અલગ જ રોમાંચ અનુભવાય છે! વળી પઠાણકોટ-અંબાલા જેવા રેલ્વે સ્ટેશનમાં તો આર્મી છાવણી હોવાથી ત્યાનાં સ્ટેશન કેન્ટોન્મેન્ટ તરીકે ઓળખાતા હોય છે! પાકિસ્તાન સરહદ નજીક હોવાથી સેનાનાં જવાનો અને રેલ્વે પોલિસનો સતત જાપ્તો જોવા મળે છે!

છતાં અમુક વસ્તુઓ જેમ કે ટ્રેનની પ્રમાણમાં ૬૦ કિલોમીટર જેવી ધીમી સ્પિડ અને ક્યારેક સિગ્નલ ન મળવા જેવા વખતે ટ્રેન પડી રહે છે એ કંટાળાજનક હોય છે. ટ્રેનમાં સામાન રાખવો, સમાવવો, અને સુતી વખતે બર્થ પર ચઢવું ઉતરવું ‘સ્કિલ ઇન્ડિયા’ નાં ભાગરૂપે સિલેબસમાં નાંખવા જેવું છે! ૨૪ થી ૩૦ કલાક જેવી મુસાફરી સામાન્ય ગણાય છે, સવારે બ્રશ કરવા કે શૌચ કરવા જઈએ ત્યારે ટ્રેનનાં કોચની લાઈન જોઇને સુગાળવા નથી થવાતું પણ જો થોડી ટેવ પાડીએ તો એની પણ એક મજા અલગ હોય છે. આવતા અઠવાડિયે આપણે અહીં અમૃતસર, ડેલહાઉસી અને મનાલીનો પ્રવાસ કરીશું! સ્ટે ગ્લ્યુડ રિડર્સ!

                                                  **********************************                      

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s