યંગિસ્તાન – ૧૫

ભાવિન અધ્યારુ

હેડિંગ – કારણકે, રિયલ લાઈફમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી હોતું!

પબ્લિકેશન ડેઇટ – 21st October, 2015

TalvarFilmPosterજિંદગી કાયમ બટરસ્કોચ આઈસ્ક્રીમ જેવી વધુ પડતી મીઠી નથી હોતી, પણ ક્યારેક એ કારેલા જેવી સ્વાસ્થ્યપ્રદ કડવી નહિ એવી ફ્રેંચ રોસ્ટેડ બિન્સ કોફી જેવી સખ્ત કડવી અને તુરી હોય છે. સાત ફેરાઓ લેતી વખતે લીધેલી કસમો ફક્ત સાત મહિનામાં છૂટાછેડાની કગાર પર આવીને ઉભા રહી જાય એવું પણ બને. રિયલ લાઈફ એ રિલ લાઈફ કરતા પણ વધુ વાસ્તવિક, કડવી, ખૌફનાક અને મિસ્ટિક હોય છે. કમબખ્ત, સેલ્યુલોઈડ પર હોલિવુડ જેવી અને જેટલી રિયલ લાઈફ બેઝ્ડ ફિલ્મો હિન્દી સિનેમામાં નથી બની. જેટલી ફિલ્મો હિન્દીમાં બની છે એમાં પણ આંગળીનાં વેઢે ગણાય એટલી ફિલ્મો જ ડ્રામેટિક થયા વગર સાચુકલી ‘રિયલ’ બની શકી છે.

વિશાલ ભારદ્વાજ જેવા દિગ્ગજ સર્જકે મકડી-મકબુલ થી લઇ બ્લ્યુ અમ્બ્રેલા જેવી રસ્કિન બોન્ડની કૃતિઓ, અને પછી કમિને-ઓમકારા જેવી ફિલ્મો થી શેક્સપિયરની કૃતિઓને સિનેમા સુધી લઇ આવ્યા. હૈદર થી ફરી ‘હેમલેટ’ કાશ્મીરનાં બેકડ્રોપ દ્વારા આબેહુબ પરદે કંડારી શકાયું. ‘તલવાર’  તો ગુલઝારની ખોટા સિક્કા જેવી દીકરી (હા, ખોટા સિક્કા જેવી) મેઘના ગુલઝાર એ બનાવી પણ એની પાછળ સ્ક્રિનપ્લે થી લઇ સ્ટોરીની માવજત એ બીજું કોઈ નહિ પણ વિશાલ ભારદ્વાજની જ હતી. મેઘના ગુલઝારે ‘ફિલહાલ’ નામની સ્યુડો ઈન્ટેલેકચ્યુઅલ ફિલ્મ બનાવેલી પણ એ થિયેટર્સમાં ફિલહાલ જ ચાલી હતી! એ પછી ફરદીન ખાન અને ઈશા દેઓલ ને લઈને ‘જસ્ટ મેરિડ’ જેવી એક રેઢિયાળ ફિલ્મ બનાવી, એ પછી ‘દસ કહાનિયાં’ ની દસ વાર્તાઓમાં એક ‘પુરનમાસી’ મેઘના એ ડિરેક્ટ કરેલી. એ પછી ફરી લાંબા અંતરાલ પછી મેઘના એ ખાસ કંઈ ઉકાળ્યું નહિ. ગુલઝાર સાહેબની દિકરી હોઈ સ્વાભાવિક છે આ લખનાર થી લઇ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ લોકો મેઘના માટે પણ એટલું જ રિસ્પેક્ટ ધરાવે છે.

૨૦૦૮નાં નોઇડા ડબલ મર્ડર કેસ એટલે કે આરુષિ તલવાર અને નોકર હેમરાજ બંનેની કરપીણ હત્યા થઇ ત્યારે ફક્ત નોઇડાનાં જલવાયુ નગરમાં આવેલા ડોક્ટર રાજેશ અને નુપુર તલવારનાં ઘરમાં જ નહિ પણ સમગ્ર દેશમાં સુપર હેવી મીડિયા કવરેજને પ્રતાપે ચકચાર મચાવી દીધેલી. સિનેમા પરદે આ કેસ તો ફિલ્માવાનો જ હતો, કારણકે જયારે સેશન્સ કોર્ટ આખરે એવો ચુકાદો આપે કે બાપે જ દિકરી અને ઘરઘાટી બંનેની હત્યા કરી છે ત્યારે એ વાત ગળે પણ ન ઉતરે અને અજુગતી પણ લાગવાની જ. અહીં ઉપર ઓલરેડી કહ્યું એમ રિયલ લાઈફ એ રિલ લાઈફ કરતા પણ વધુ ભયાવહ હોય છે. ૨૦૧૫ માં જ દિગ્દર્શક મનિષ ગુપ્તા એ કેકે મેનન અને ટિસ્કા ચોપરાને લઈને ‘રહસ્ય’ બનાવેલી જે ફિલ્મ આરુષિ નાં માં-બાપ એ અને સેન્સર બોર્ડ એ પણ ક્લિયરન્સ ન આપતા ઘોંચ માં પડેલી, મનિષ ગુપ્તા એ પણ સામે કેસ કરેલો અને છેવટે એ કેસ જીતી ગયા, અને ફિલ્મ રિલીઝ થઇ. ફિલ્મ ખુબ જ ગ્રીપીંગ હતી પણ એ કોર્ટનાં ચુકાદા થી પ્રેરિત હોઈ, એનો અંત  કંઇક એવો જ હતો જે સ્પોઈલર હોઈ આપણે અહીં નથી લખવો.

vishal bharadwajવિશાલ ભારદ્વાજ-મેઘનાની ‘તલવાર’ ધારદાર એટલા માટે છે કે એ એટલી વાસ્તવિક બની છે કે આપણને આ ફિલ્મ તલવાર દંપતિનાં ઘરમાં જ લાવીને મૂકી દે છે. આ ડોક્ટર દંપતિને ત્યાં આઇ.વી.એફ (IVF) ટ્રીટમેન્ટની મદદથી આરુષિનો જન્મ થયેલો. નેપાળી ઘરઘાટી અને નોકરોની ફૌજ એ લોકોનાં ઘરની શાંતિ અને સમગ્ર જિંદગીને લઇ ડૂબશે એ તો એ લોકો પણ ક્યાં જાણતા હતા. થોડા મહિનાઓ પહેલા આવેલી પત્રકાર અવિરુક સેન એ લખેલી ‘આરુષિ’ એ આ સમગ્ર ઘટનાની ગંધાતી વાસ્તવિકતાને છત્તી કરી દે છે. જો કે સમગ્ર બુકમાં આરુષિના માં-બાપ ને કેવી રીતે ફ્રેમ કરી દેવામાં આવ્યા અને ગિલ્ટી પુરવાર કરવામાં આવ્યા એવું સ્ટેન્ડ લેવાયું છે. ફિલ્મમાં CBI ઓફિસર અરુણ કુમાર (અહીં અશ્વિની કુમાર) બનતા ઈરફાન એ કરિયર બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે. જાહિલ અને ધીટ પોલિસ, ખરીદાતા CBI અધિકારીઓ, સડેલી ન્યાયપ્રક્રિયા, ફોરેન્સિક લેબ્સ ને પણ અપાતી ટાંચી સુવિધાઓ, પંચાતિયા પાડોશીઓ, કૂતરાની જેમ ભસતી રહેતી ન્યુઝ ચેનલ્સ બધું જ અહીં આબેહુબ કંડારાયું હોઈ, ‘તલવાર’ જાણે સીધી જ ખચ્ચાક કરતી આપણને ખૂંચી જાય છે. 

પણ આપણે અહીં વાત કરવી છે અસલ જિંદગીની. બરછટ લાઈફની! બેકગ્રાઉન્ડ મ્યુઝિક જો મળે તો આપણી જિંદગીને ક્યાં સ્ક્રિપ્ટ કે સ્ક્રિનપ્લેની પણ જરૂર છે? સેક્સની ભૂખ, વેશ્યાઓ, નકલી મસાલાઓ અને ખાવાપીવાની ચીજોમાં થતી ભેળસેળ, વાસી ચહેરાઓ, ગંધાતી ગટરો, સરકારી ભ્રષ્ટ અધિકારીઓ, અનામતની વાહિયાત માંગો, મંદિર-મસ્જીદનાં નામે કરાતા રાજકીય દંગાઓ, કોઈ અફેર કે બળાત્કાર થી થયેલા બાળકને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવે, કોઈ ચેપી સિરીંજ થી કોઈની આંખ જાય કે કોઈને HIV નો ચેપ લાગે, કોઈ કોર્પોરેટ ચકચકિત ઓફીસીઝમાં સુંવાળી ખુરશીઓ પર બેસતા બિઝનેસ ટાયકુન્સ અને પ્રમોશન માટે થતા વન નાઈટ સ્ટેન્ડસ, કોઈ રિક્ષાવાળાની ટીનએજ છોકરી પરની ભૂખ્યા વરુ જેવી નજર, પૈસા માટે સગા ભાઈ કે બાપને પણ મારી નાંખતો આ સમાજ. આ બધું જ કેટલું ડાર્ક અને કડવું લાગે!

હર્ષ સાહની નામનાં ફાંકડા લેખકે લખેલી ‘દિલ્હી નોઈર’ અને લેખિકા માધુરી બેનર્જી એ લખેલી ‘સ્કેન્ડલસ હાઉસવાઇવ્સ: મુંબઈ’ માં પણ આવી એક થી એક ડાર્ક રિયલ લાઈફ સ્ટોરીઝ આબેહુબ નિતારી છે! ક્યાંક છલકપટ તો ક્યાંક વાસના, ક્યાંક પૈસાની ભૂખ તો ક્યાંક પોતાની એમ્બિશન્સ માટે કોઈ પણ હદ સુધી જનારા યંગસ્ટર્સ.

Rajesh & Nupur Talwarગરીબી, ભણતરમાં અનામત, આર્થિક અસમાનતા, બેઝિક નીડ્સ પૂરી ન થવી અને સતત વધતી જતી મોંઘવારી સામે પગાર ન વધવા આ બધા જ કારણો વચ્ચે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ પિસાતો જાય છે. ક્યારેક કોઈ ગિવ અપ કરીને ક્રાઈમ તરફ વળે તો કોઈ સહન કરીને બ્લડપ્રેશર અને હાર્ટએટેક નોતરે! જો કે ઉચ્ચ ભ્રુ એટલે કે હાઈ સોસાયટીનાં પોતાના ચોંચલાઓ હોય છે! ભાઈ, થાઈલેન્ડ-સિંગાપોરની ‘બિઝનેસ ટ્રિપ્સ’ કંઈ એમ જ થોડી થતી હોય છે? ઠરકી પતિઓ અને ‘અધુરી રહી જતી શોખીન પત્નીઓ’ ‘પાર્ટનર સ્વેપિંગ’ પણ કરે છે એ બધું કોમન છે અને સહજ હોય છે. અહીં ‘તલવાર’ ફિલ્મમાં પણ તલવાર દંપતિને વાઈફ સ્વેપિંગ વિષે પુછાતા એ ચુપ થઇ જાય છે, અને એ જ બતાવે છે કે એ બધું એ લોકો માટે પણ કેટલું સહજ હતું! શું હતું પેલા આરુષિનાં ‘સોરી લેટર’માં એનો કોઈ કરતા કોઈ ખુલાસો તો ફિલ્માં પણ આપવામાં નથી આવ્યો.

જિંદગી પોઝિટીવ રહેવામાં જ છે, બાકી જયારે પણ રાજકારણીઓ, પોલિસ, હિન્દુત્વ તો ઠીક પણ આપણી જ આજુબાજુ ચાલતી નાગાઈઓ અને છુપા ખંજર ભોંકનારા લોકો વિષે વિચારીએ તો કેટલા ડિપ્રેસ થઇ જવાય એ તો આપણે જ જાણીએ છીએ. આવતા બુધવારે આપણે અહીં યંગિસ્તાનમાં ‘ડોક્યુડ્રામા’ જોનર અને કેટલીક ચુનંદા રિયલ લાઈફ ફિલ્મો વિષે વાત માંડીશું.

પાઈડ પાઈપર:   

જાની બુજી પલ્કો પે, ખ્વાબ જબ સરકતે હૈ,

લગતા હૈ વો ઝિંદા હૈ, હાં લગતા હૈ વો ઝિંદા હૈ.

શામ કિ ઉદાસીમેં એક દિયા જલતા હૈ,

રોશની જો હોતી હૈ, લગતા હૈ વો ઝિંદા હૈ. – ગુલઝાર (ફિલ્મ – તલવાર)   

                        

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s