Youngistan-8 as on 19th August, 2015, હેડિંગ: કાઠિયાવાડ: એક રિયાલીટી ચેક!

યંગિસ્તાન       

ફૂલછાબ : પંચામૃત  (૧૯/૦૮/૨૦૧૫- બુધવાર)

હેડિંગ: કાઠિયાવાડ: એક રિયાલીટી ચેક! 

Dમદાવાદથી જુનાગઢ જતી વોલ્વો બસમાં બેસીએ એટલે જાણે સૌરાષ્ટ્રની જાત્રા એ ઉપડ્યા એવી ફીલ છેક ફેફસા સુધી આવે! ભારત અને ગુજરાતનાં બાકીનાં હિસ્સામાં રહેતા હોઈએ તો એકદમ એક્સ્ટ્રીમકલ્ચરલ પેરાડોક્સએટલે કે એકદમ વિરોધાભાસનો સાક્ષાત્કારથાય એવો પ્રદેશ એટલે સૌરાષ્ટ્ર. ૨૦૦ થી ૩૦૦ કિલોમીટરમાં તો જાણે આસપાસનો માહૌલ સંપૂર્ણ બદલાય જાય. પ્રેક્ટિકલ થી આગ્રહ થી ભરપુર થવાની રીતભાત એટલે સૌરાષ્ટ્ર, જે અમદાવાદ થી સુરત અને મુંબઈગરાઓ માટે મોટેભાગેકાઠિયાવાડતરીકે જ બોલાય-ઓળખાય છે. સૌરાષ્ટ્ર વિષે લખવા બેસીએ તો ગ્રંથો લખી શકાય ત્યારે અહીં તો આપણે એક લેખમાં શક્ય એટલી બધી જ કાઠિયાવાડી ફ્લેવર્સને સમજવાનો પ્રયત્ન કરીશું!

 

સૌરાષ્ટ્ર વિષે લખવાનું શરુ કરીએ એટલે ત્યાંની વાનગીઓ અને ખાસ તો બનાવવાની પદ્ધતિની વાત થી શરુ ન કરીએ તો ‘ખોટું લાગી જાય હો’! અમદાવાદ અને વડોદરામાં છેલ્લા થોડા વર્ષોમાં કાઠિયાવાડી રેસ્ટોરન્ટસનો રાફડો ફાટ્યો છે અને આ બધી જ જગ્યાઓ એ જઈ ને લોકો પણ હવે એવી ઈમેજ ધરાવવા લાગ્યા છે કે કાઠિયાવાડી એટલે ફક્ત સેવ ટમેટા અને લસણિયા બટેટા. કંઈ રાજકોટ-જુનાગઢ-ભાવનગર-જામનગરમાં ઘરે ઘરે રોજ સેવ ટમેટા અને રોટલા-ભડથું જ ન ખવાતા હોય! હા, કાઠિયાવાડીઓ બધા જ શાકમાં ભયંકર તેલ નાખે, અને એવી માન્યતા બધે જ કે તેલ વધુ નાંખીએ એટલે ટેસ્ટ સરસ આવે. દાળમાં કોકમનો વઘાર, સહેજ પણ મીઠી નહિ એવી કાઠિયાવાડી તુવેર દાળ અમદાવાદની ‘મીઠી તુવેર દાળ’ કરતા ખુબ જ સરસ હોય છે. સૌરાષ્ટ્રમાં ખીચડી હોય કે શાક-રોટલી પણ સાથે છાશ તો જોઈએ જ. છાશ સ્ટેપ્નીની જેમ ભાણામાં સાથે જ હોય. રવૈયા કહો કે રીંગણ, અહીં સૌરાષ્ટ્રમાં બધા રીંગણા જ છે!

 અડદની દાળ અને રોટલો સાથે લસણની ચટણી એ બધા કસુંબલ ડાયરા વર્ણનો બાજુ પર રાખીએ તો સૌરાષ્ટ્રમાં લોકો હવે ખાવાપીવામાં ઠીકઠીક પ્રયોગશીલ બન્યા છે. હજુ પણ વિકેન્ડમાં બહાર ખાવા જાય એટલે પહેલી ચોઈસ તો પંજાબી જ હોય. હજુ પણ મેંદાની ચ્વિંગમ જેવી રોટલી જ ખવાય છે, આજે પણ સરેરાશ કાઠીયાવાડી છોકરો હોટેલમાં ગર્લફ્રેન્ડને લઈને જાય ત્યારે તરત કાઠિયાવાડી છોડી હિન્દી બોલવા લાગે છે. થેપલા હોય કે પરોઠા, મીઠું-મરચું અને તેલ બધું જ ચડિયાતું જોઈએ સૌરાષ્ટ્રમાં. ખાવાપીવાની રીતભાત પર થી આખી સંસ્કૃતિની ઝલક મળી જતી હોય છે! કાઠિયાવાડી ઘૂઘરા અને ભૂંગળા-બટેટા અહીં અમદાવાદમાં પણ મોજ થી ખવાય છે!

Bમહેમાનગતિ અને આગ્રહ કરવાની ટેવ વર્ષોથી ગવાય છે અહીં, પણ સમય બદલાયો છે. મારું સ્ટ્રોંગલી એવું માનવું છે કે કોઈને પોતાના ઘરે જમવા બોલાવવા કે રોકાવા માટે એક હદ થી વધુ આગ્રહ કરવો એ કંઈ બહુ હરખાવા જેવી વાત નથી. સામે વાળી વ્યક્તિને એ આ આદત સખત ઈરિટેટિંગ લાગી શકે એવી પૂરી શક્યતા છે. આટલું તો ખાવું જ પડે હો, આવ્યા છો તો જમીને જ જવું પડે, આ બાસુંદી આટલી જ ખાધી? લો હજુ આ ત્રણ ચમચા તો લેવી જ પડશે જેવા વાક્યો અહીં દરેક ઘરે સંભળાય છે, આગ્રહ કરવો બેશક સારી વાત છે પણ સામે બેસેલી વ્યક્તિ એનાથી ગુંગળાય જાય એ નક્કી છે. પહેલાનાં વખતની વાત અલગ હતી, હવે લોકોને એટલો સમય પણ નથી કે ન તો રસ, તો પછી પ્રેક્ટિકલ થઈને સામે વાળી વ્યક્તિની ઈચ્છાને માન આપો એ વધુ બહેતર અને માણસાઈ ભર્યું છે.

ભણતર અને પ્રોફેશનાલિઝમ કંઈ બજારમાં વેચાતું મળતું નથી. અહીં લોકો પાસે હવે ચિક્કાર પૈસો આવ્યો છે, પણ લાખ રૂપિયાની વાત એ છે કે કોઈ ઈન્જીનિયરીંગ કે મેડિકલ કે મેનેજમેન્ટનું ભણવા ખર્ચો કરવાની વાત કરશે એટલે તરત ‘ભણીને કોના ઘર ઊંચા થયા, અથવા તો ભણવા પાછળ આટલા વર્ષો અને આટલો પૈસો થોડો ખર્ચાય?’ જેવા વાક્યો જ સંભળાય. આજે પણ અહીં કોમ્પિટિટીવ એટ્મોસ્ફિયરની ભયાનક કમી છે. એક એવરેજ કાઠિયાવાડી યુવાનને ફર્રાટેદાર અંગ્રેજી બોલવામાં ફાંફા પડી જાય છે, એ પોતાનો કમ્ફર્ટ ઝોન છોડી નથી શકતો. હજુ પણ બહાર મોટા ‘ભા’ થઈને અને ઘરમાં માવડિયા થઇ જતા જુવાનિયાઓની અહીં કમી નથી. કયાંક તો અટકવું પડશે ને? ચેન્જ કોણ લાવશે? ક્યારે સમયસર મીટીંગ અને ઓફિસ એ પહોંચીશું? ઘડિયાળની કદર અહીં ક્યારે થશે? મન ‘આલસ-વિલસ’ થઇ જશે એ કેમ ચાલશે? અબ્રોડ અને મુંબઈ-બેંગ્લોર તો ઠીક અહીં ૨૫૦ કિલોમીટર દુર એવા અમદાવાદમાં પણ કાઠિયાવાડી જુવાનિયાઓ ગરમી-હાડમારી કંટાળી જાય છે, અમદાવાદી યંગસ્ટર્સથી ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં આવી જઈને કેટલાક થોડા જ મહિનામાં ગિવ-અપ કરી દે છે.

Aકાઠિયાવાડી બોલી સાંભળવામાં ખુબ જ મીઠી લાગે છે, દરેક વાક્યની પાછળ ‘હો’ લગાવવાની આદત, ‘સ’ નાં બદલે ‘હ’ વાપરવો, વિશાળ શબ્દ ભંડોળ, અને સમૃદ્ધ બોલીનો યુનિક લહેકો કાઠિયાવાડી વ્યક્તિને સૌરાષ્ટ્ર અને ગુજરાતની બહાર સામે વાળી વ્યક્તિ સામે સેકન્ડ્સમાં જુદા તારવી આપે છે. હા,એ જરૂર દુખની વાત છે કે અમદાવાદ-વડોદરા થી સુરત સુધી કાઠિયાવાડી બોલીની મજાક ઉડાવાય છે. લોકોની એટલુ મેચ્યોરિટી લેવલ જ નથી કે એ સમજી શકે કે દરેક પ્રદેશની એક આગવી બોલી અને રહેણીકરણી અને ઢબછબ હોય છે!

સૌરાષ્ટ્ર એટલે પાછું વિવિધ વિસ્તારોનો સમૂહ. જુનાગઢ-અમરેલીનો ગિર પટ્ટો એ સોરઠ કહેવાય, ભાવનગર નો દરિયાઈ વિસ્તાર ગોહિલવાડ, જામનગર-દ્વારકા હાલાર અને સુરેન્દ્રનગર-પાટડી-ધ્રાંગધ્રા એ ઝાલાવાડ તરીકે ઓળખાય છે. એટલે બની શકે કે ચાર રસ્તાને જુનાગઢ કે રાજકોટમાં ‘ચોક’ કહેવાતું હોય અને લગભગ ૧૩૦ કિલોમીટર જ દુર એવા જામનગરમાં એના માટે ‘ગોલાઈ’ જેવો શબ્દ વપરાય.

 

સિવિક સેન્સ અને ડિસીપ્લીન વગર તો આ ચર્ચા જ અધુરી છે. માવો એટલે કે મસાલો અને ગુટખા વગર તો અહીં ચાલતું જ નથી. મોઢામાં માવો-તમાકુ અને ગુટખા ભરેલો હોય અને મોઢું વાંકુ કરી બોલવું અહીં સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે. મલ્ટીપ્લેક્સ અને મોલની દિવાલો અને કાર્પેટ પર પણ લોકો થૂંકતા અચકાતા નથી. દરેક વસ્તુમાં વધારી વધારીને બોલવાની ટેવ, સારી પ્રયોગશીલ ફિલ્મો જોવી કે પછી કન્ટેમ્પરરી લિટરેચરનો અહીં એટલો પ્રભાવ છે જ નહિ એમ કહીએ તો ચાલે. બપોરે એક વાગ્યા પછી લોકો ધંધો-નોકરી છોડી ઘરે જઈ સુઈ જાય એ કેમ ચાલે? ત્રણ કલાક જેટલો બપોરનો સમય દીવ થી દ્વારકા સુધીના દરેક નાના-મોટા સૌરાષ્ટ્રનાં શહેરોમાં કર્ફ્યું જેવું વાતાવરણ થઇ જાય એ ટેવ કેમ નથી બદલાતી? કેમ અમદાવાદ-વડોદરાનાં સિટિઝન્સ સવારે વહેલા ઓફિસ પહોંચી છેક રાત્રે ૮-૯ વાગ્યા સુધી તૂટીને કામ કરે અને આખુ શહેર ઝડપથી પ્રગતિ કરે? કેમ જુનાગઢ-જામનગર-રાજકોટ આ જ લાઈફ સ્ટાઈલ ને અનુસરી ન શકે?

સરકાર પણ અફાટ સૌન્દર્ય અને ટુરિઝમના પૂરતા સ્કોપ્સ હોવા છતાં એને વિકસાવવાની દાનત ધરાવતી નથી. ચોરવાડ-માધુપુર-દીવ-જુનાગઢ-પોરબંદર અને દ્વારકા જેવી વર્સેટાઈલ ટુરિસ્ટ પ્લેસિસ હોવા છતાં જોઈએ એવી એની માવજત નથી થઇ! આજે પણ રાજકોટ-જુનાગઢ કે ભાવનગર જેવા મોટા શહેરોમાં મસાન-રંગરસિયા જેવી અદભુત ફિલ્મો રિલીઝ જ નથી થતી! થિયેટર્સ હોય કે રેસ્ટોરન્ટ કે પછી કપડાની દુકાન વાળા, જે ચાલે છે, જે લાદી દેવાયું છે એને જ ટ્રેન્ડ સમજી ચલાવે જાય છે. લોકોને તમે થાઈ-મેક્સિકન કે લેબેનિઝ ક્યુઝિન્સ આપો જ નહિ તો એ પંજાબી કે ચાઇનીઝ જ ખાતા રહેવાના ને!

વાત અહીં માત્ર ટીકા કરી ઉતારી પાડવાની જ નથી, વાત છે ઉભા થવાની. પોતાના કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવીને હવે આગળ આવવું પડશે, જોખમ લેવા પડશે. હેલ્થ થી એજ્યુકેશન, લાઈફસ્ટાઈલ દરેક ક્ષેત્રે આગળ આવવું હશે તો પ્રોફેશનલ બનવું પડશે, ખરાબ આદતો છોડવી પડશે. આપણી સંસ્કૃતિ-રિવાજો અને ધાર્મિક વારસાની દુહાઈઓ દઈને ક્યાં સુધી અફીણનાં ડોડવા ચુસતા રહીશું? ક્યારેક તો જાતને અરીસો બતાવીશું ને? સૌરાષ્ટ્રનું અને એના ખમીરવંતા કાઠિયાવાડીઓનું કેલિબર દુનિયાભરમાં પથરાયું છે. જરૂર છે થોડી દિશાનિર્દેશ અને મહેનતની. ભણતર થી લઇ કોની સાથે લગ્ન કરવા, કઈ કરિયર બનાવવી, શું ખાવુપીવું અને કેમ જીવવું એ બધું નવી પેઢીને જાતે નક્કી કરવાદો. ઇન્શાઅલ્લાહ સૌરાષ્ટ્ર આવનારા ૧૦ વર્ષોમાં ગુજરાતનો સૌથી વધુ પ્રગતિશીલ વિસ્તાર બનશે એ નક્કી છે!                

 પાઈડ પાઈપર:

‘’કાઠિયાવાડમાં એક દિ’ ભૂલો પડ તુ ભગવાન,

થા તુ અમારો મહેમાન, તારી ખો ભુલાવી દઉં શામળા!’’

(સોરઠ પંથકમાં જન્મી મોટા થયા હોવા છતાં, અત્યારે હાલનાં કન્ટેમ્પરરી સૌરાષ્ટ્રમાં ફરીને-અત્યારનાં વાતાવરણને અનુભવીને મગજમાં આવેલી રિમિક્સડ પંક્તિઓ)   

Advertisements

3 thoughts on “Youngistan-8 as on 19th August, 2015, હેડિંગ: કાઠિયાવાડ: એક રિયાલીટી ચેક!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s