Youngistan – 7 as on 12th August, ’15 on ‘Good Old Days of Cable TV ‘, Journey of 90’s Cable Television Era…

યંગિસ્તાન ૭     

ફૂલછાબ : પંચામૃત  (૧૨/૦૮/૨૦૧૫- બુધવાર)

હેડિંગ:  કેબલ ટીવી, ડીટીએચ, 4G: વક્ત કા તકાઝા!       

1ભાઈ જરા ઉપર જઈને એન્ટેના સરખું કરને, ‘જરમરિયા’ આવે છે! યસ, યાદ છે આ શબ્દ? જયારે ટીવી હજુ બ્લેક & વ્હાઈટ પણ બનતા! કલર ટીવી ઘરમાં હોય તો એ આઠ ચેનલ્સનાં રહેતા. દુરદર્શનનું હજુ એકચક્રી શાસન હતું. સવારે જયારે દુરદર્શનનું સ્ટેશન ખુલે ત્યારે ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’માં રિતિક રોશન કહે છે એ ‘ડિપ્રેસિવ’ સંગીત વાગતું અને એ મોન્ટાજ એંસી અને નેવું ના દાયકામાં ઉછરેલા એક એક બચ્ચા ને યાદ જ હશે. ઓકે, ઓકે આપણે અહીં દુરદર્શન કે ત્યારનાં નોસ્તાલજિક શોઝ ની વાતો નથી આદરવી. આપણે વાત કરવી છે અર્લી નાઈન્ટીઝમાં જયારે દુરદર્શન પછી ઝી ટીવીની એન્ટ્રી પડી અને કેબલ કનેક્શન ભારતમાં આવ્યા એ અદભુત સમયની! 

ટીવીમાં હજુ કોઈ ‘AV’ જેવું સ્પેશિયલ મોડ ન આવતું, અને એક જાયન્ટ ‘ડિશ’ આવી ચુકી હતી! દરેક એરિયામાં એક કેબલ વાળા (જેને સૌરાષ્ટ્રમાં ‘ડિશ વાળા’ તરીકે ઓળખાણ અપાતી!) રહેતા. સમય એ હતો જયારે VHF-UHF-S જેવા બેન્ડ રહેતા, એટલે લગભગ પાંચ થી પંદર ચેનલ્સ રહેતી અને એમાં ટીવી પર ચેનલ્સ શફલ થતી રહેતી. કેબલ માલિક ને ત્યાં એક થી લઇ ચાર-ચાર ડિશ રહેતી જે અગાશી એ લગાવાતી. જમાનો અત્યાર જેવો કોમ્પ્લીકેટેડ નહોતો. દરેક ઘરે કેબલ કનેક્શન લો, એટલે એક અપાર્ટમેન્ટ દીઠ એક કે બે સોકેટ રહેતા, અને એમાં ‘કોએક્સિઅલ વાયર્સ’ રહેતા. આ વાયર ઘરની દિવાલો પર ગરોળીની જેમ ફિટ થઇ જતા, અને પછી ટીવી પર શરુ થતો એક રોમાંચ! સેટેલાઈટ ચેનલ્સ જોવાનો રોમાંચ. આખો મહિનો ટીવી જોવાનું, અને મહિનાનાં અંતે કેબલ ઓપરેટરને ત્યાં થી કોઈ માસિક ભાડું લેવા ઘરે પધારતા.

2ફિલ્મો તો હજુ મોટા પડદે જોવી બહુ મોટી વાત કહેવાતી, એટલે ઘરે જ કેબલ પર રાત્રે ફિલ્મો મુકાતી, અને એ ફિલ્મો જોવાનાં એક્સાઈટમેન્ટની સરખામણી આજનાં 4G અને યુટ્યુબ-હોટસ્ટાર યુગ સાથે થઇ જ ન શકે. દર શનિવારે રાત્રે નવી ફિલ્મો પાઈરેટેડ આવૃત્તિમાં મુકાઈ જતી, હજુ એ શરૂઆત નો સમયકાળ હતી જયારે ભારતીયો એ પહેલી વાર પાઈરસીનો સ્વાદ ચાખેલો. ધીમે ધીમે લોકોના મનોરંજનની ભૂખ વધતી ગઈ, સામે ઓપ્શન્સ પણ વધતા ચાલ્યા.

સૌરાષ્ટ્રમાં જુલાઈ-ઓગસ્ટનાં જાગરણની મોસમને ‘મોળાકત-જયાપાર્વતી-દિવાસો’ની ભરતી આવે અને એ સમયગાળામાં કેબલ પર આખીને આખી રાતો બબ્બે ચેનલ્સ પર એક સાથે ફિલ્મો મુકાતી, અને અમારા જેવા વગર વ્રત કર્યે ફક્ત ફિલ્મો જોવા જ આખી ને આખી રાતો જાગરણ ખેંચી નાંખતા! નજીકનાં થિયેટરમાં ત્યારે આખો દિવસ ૨૪ કલાક ફિલ્મ શો ચાલતા, અને આ જાગરણમાં તો જાણે દિવાળી જેવી રોનક આવી જતી.

ધીમે ધીમે કેબલ કનેક્શનનું નેટવર્ક વધતું ચાલ્યું, સાથે સાથે ભારતમાં સેટેલાઈટ ચેનલ્સ પણ મોટા પ્રમાણમાં પગ પેસારો કરી રહી હતી. રૂપર્ટ મુર્ડોકનું સ્ટાર નેટવર્ક ઇન્ડિયામાં આવી ચુક્યું હતું, પામેલા એન્ડરસનની ક્લિવેજ અને બ્રેસ્ટ જોવા અમથે અમથા સ્ટાર વર્લ્ડ પર ‘બેવોચ’ જોઈ નાંખતાં, સામે છેડે સ્ટાર પ્લસ પર હોસ્ટ રિચર્ડ ઓ’બ્રાયનનો શો ‘ધ ક્રિસ્ટલ મેઇઝ’ ધૂમ મચાવી રહ્યો હતો, સ્મોલ વન્ડરના જિમી અને વિકી રોબોટ ઘરે ઘરે ફેવરિટ બની ગયા હતા. કેબલ કનેક્શનનો વ્યાપ એવો કે જેના ઘરે કેબલ ન હોય ત્યાંનાં ટેણીયાઓ તો એકદમ વંચિત ફિલ કરતા, અને દોસ્તોને ત્યાં હિપ હિપ હુર્રે, હમ પાંચ, સાપસીડી, સારેગામાપા, અંતાક્ષરી વગેરે જોવા પહોંચી જતા.

અત્યાર જેવો ‘પહેલાજ નિહલાની અને ગજેન્દ્ર ચૌહાણ છાપ’ દંભી સમય નહોતો, ઈનફેક્ટ આમ સમાજ ત્યારે ખાસ્સો લિબરલ હતો. લોકો સિટકોમ શ્રીમાન શ્રીમતી જેવા કોમેડી શો થી માંડી શાંતિ અને તારા જેવા સોપ ઓપેરા, અંક અજુબે જેવા ક્વિઝ શો અને સાન્તા બાર્બરા જેવા બોલ્ડ ટીવી શોઝ પણ ખુબ એન્જોય કરતા.

3એક ખૌફ એવો પણ હતો કે દસમાં કે બારમાંમાં ‘બોર્ડ’ હોઈ, ઘર માંથી કેબલ કનેક્શનને દેશવટો આપી દેવાતો, સેલ્ફ કંટ્રોલ કે પછી આવી બધી સેન્સરશિપ વિષે કોઈ ખાસ ચર્ચા ન થતી. સામે છેડે, જે લોકો હજુ એન્ટેનાની મદદ થી દુરદર્શન જ જોતા, એ લોકો કેબલમાં કાણા પાડી પોતાના વાયરનાં છેડા ભરાવી સેટેલાઈટ ચેનલ્સ ચોરી કરીને જોતા એવો પણ એક મોટો વર્ગ હતો.

૨૦૦૦ પછી  કંડિશનલ એક્સેસ સિસ્ટમ આવી, ધીમે ધીમે કેબલ ઓપરેટર્સની તુમાખી વધતા લોકો સેટ ટોપ બોક્સ વસાવતા થઇ ગયા, ઘરે ઘરે DTH આવ્યા અને લોકો પોતાની પસંદની જ ચેનલ માટે પૈસા ભરતા થયા. રેસ્ટોરન્ટની જેમ હવે અહીં પણ ‘આલા કાર્ટ’ પેકેજ લેવાવા લાગ્યા. અમદાવાદમાં કેબલ ઓપરેટર્સને ‘ચેનલ વાળા’ કહે છે એ હવે નામશેષ થવા લાગ્યા છે, આપણે અત્યારે ૨૦૧૫માં 4G વાળા સ્માર્ટફોન અને ટીવી સુધી પહોંચ્યા છીએ ત્યારે એ અરસામાં કેબલ ઓપરેટર્સ સાથેનો એક સંબંધ બનતો એ કેમ ભૂલાય? એમાં પણ નાના ગામ અને શહેરોમાં તો મોડી રાત્રે એડલ્ટ ફિલ્મો પણ મુકવામાં આવતી, જેને ‘કપલ્સ’ ખુબ મજા થી જોતા! પોર્ન હજુ ભારતમાં એટલું ઘૂસ્યું નહોતું, એ વખતે તો આવી પ્યાસી જવાની ટાઈપ સેમી પોર્ન ફિલ્મો કેબલ પર આવે એટલે ‘ઓહો’ કહેવાઈ જતું!                       

કેબલ ઓપરેટર્સ એ લગભગ ૧૯૯૮ પછી પોતપોતાની  ઓન ડિમાન્ડ ગીતોની ચેનલ શરુ કરેલી જે દરેક શહેરોમાં ચાલતી! લેન્ડલાઇન નંબર પર ફોન કરી અને અવેલેબલ મેનુ સિલેક્ટ કરી, અને ગીતો કે સિન્સ પસંદ કરવાના રહેતા! આ ઓન ડિમાન્ડ ચેનલ્સ એ પણ ત્યારે રીતસર ઘેલું લગાડેલું!

૨૦૦૪ પછી DTH ફૂલ ફ્લેજ્ડ આવ્યું અને આજે એક દસકા થી વધુ સમય થયો, આપણે હવે સંપૂર્ણપણે DTH ને સ્વિકારી લીધું છે. ઝુંપડપટ્ટી થી લઇ પોશ બંગલાઓની બહાર DTH ની એક સરખી ડિશ લટકતી જોવા મળે છે. વરસાદમાં બંધ થઇ જતા DTH પ્રસારણ વખતે કેબલ યુગનાં ‘જરમરિયા’ અને લાલ-લીલા-પીળા પટ્ટાઓ બહુ યાદ આવે. પોતાના વિસ્તારનાં ભાઈબંધી વાળા કેબલ વાળા ને એક ફોન કરી દેતા અને બંધ થયેલી ડિશ શરુ થઇ જતી, અને આજે બધું જ ટોલ ફ્રી હેલ્પલાઈન થી જ થાય છે. વ્યક્તિગત સંપર્કનો છેદ ઉડ્યો એના ફાયદાઓ પણ એટલા જ છે.

પ્રોફેશનલ અપ્રોચ આવતા સુવિધાઓ વધુ બહેતર બની છે, કેબલ ઓપરેટર્સ ની દાદાગીરી હવે સંપૂર્ણપણે ડામી દેવામાં આવી છે. લાચારી ની બાદબાકી અને આઝાદીનો સરવાળો થયો છે. સામે છેડે ટીવી પર આવતા પ્રોગ્રામ્સની ક્વોલિટી હવે બગડી છે. એ જ સ્ક્રિપ્ટેડ રિયાલીટી શોઝ, રેઢિયાળ સિરીયલો અને IPL ના ઓવરડોઝ થી ટીવી ખદબદે છે. આઠસો થી વધુ ચેનલ્સનાં ઓપ્શન્સ હોવા છતાં રિમોટ લઇ બેસો તો કશું જ જોવું ગમે નહિ એવું પણ બને.

ઈન્ટરનેટ સ્પિડ હજુ પણ ભારતમાં જોઈએ એવી આવી નથી, પૈસા પુરા ભરવા છતાં હજુ આપણે ગોકળગાય ગતિના ઈન્ટરનેટને સહન કરી રહ્યા છીએ, DTH અને 4G એ ઉત્ક્રાંતિનો એક ભાગ છે. પણ એ કેબલ ઓપરેટરના દિવસો, એ ડિશ કનેક્શન, કેબલ વાળા સાથે સતત થતી રકઝક હવે મિસિંગ છે! વધતી સગવડતા એ જૂની સહુલતો ને ઇતિહાસમાં ફેરવી નાખતી હોય છે!      

                                                                                     *************************

 પાઈડ પાઈપર:

આપણે કેટલા વિરોધાભાસોની વચ્ચે જીવીએ છીએ, એક તરફ વર્ષો થી સ્કુલોમાં સેક્સ એજ્યુકેશન આપવાનો નિર્ણય દાનત અને હિંમત ને અભાવે લટકેલો જ છે, અને આ સરકાર હવે પોર્નોગ્રાફી પર બેન લાવી બાળકોનાં સંસ્કાર અને ભવિષ્યનો હવાલો આપે એ કેવું? ‘બોગસ મોરાલિટી’ અને ‘જેન્યુઈન સિક્યોરિટી’ માં ઘણો ફર્ક હોય છે! આઝાદીનાં ૬૮ વર્ષ પછી આપણે ‘નિર્ભયા’ પર બનતી ડોકયુમેન્ટરી બતાવી શકતા નથી, દારૂબંધી હોવા છતાં છૂટ થી થતા બુટલેગિંગને ડામી શકતા નથી, સન્ની લિયોની જેવી પોર્ન સ્ટાર મજા થી હિન્દી ફિલ્મો કરી રહી છે, અને બીજી તરફ મોદી સરકાર ઠાલા ‘બેન’ લગાડી ને ભારત ને ખરેખર ‘Ban-ana Republic’ બનાવી રહી છે!      

email: bhavinadhyaru@gmail.com

Advertisements

One thought on “Youngistan – 7 as on 12th August, ’15 on ‘Good Old Days of Cable TV ‘, Journey of 90’s Cable Television Era…

 1. khub j saras ..1991-99 kharekhar golden period hto . magaj hamesha shant raheta ne loko pase aekbija maate samay raheto ..
  ડીશ ઓપરેટરો ની વાત કરીએ તો,
  ઘરે કેબલ હોવું એ રૂપિયાવાળા ની એક નિશાની ગણાતી ,
  અલીફ્લેલા , શક્તિમાન , મહાભારત , રામાયણ જેવી સીરીયલો જોવા લોકો એકઠા થઇ જાતા…કેવા હતા એ મજાના દીવસો !

  ત્યારે જે આનંદ કેબલ ની ૨૫-૩૦ ક્લીયર ચેનલો જોવામાં આવતો એ આજે ડીટીએચ કે યુ ટ્યુબ માં નથી આવતો .

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s