Youngistan-4, સાઉથ સિનેમા: ટેલેન્ટની સાબિતી, સર્જકતાની ચરમસીમા! (As on 22nd July, 2015)

SS Rajamauli
SS Rajamauli

યંગિસ્તાન – ૪

ફૂલછાબ : પંચામૃત  (૨૨/૦૭/૨૦૧૫- બુધવાર)

હેડિંગ: સાઉથ સિનેમા: ટેલેન્ટની સાબિતી, સર્જકતાની ચરમસીમા!  

છે એક અલગ દુનિયા, જ્યાં માટી આપણી જેમ બદામી નથી પણ લાલ છે, ક્લીન શેવ્ડ ચહેરા ભાગ્યે જ જોવા મળે (જાડીમૂછો અને વધેલી દાઢી એ જ કદાચ ત્યાંની સેક્સ અપીલ છે!) વડિલો ‘મુન્ડું’ (ધોતિયું) પહેરે, મંદિરોમાં જુવાનોયાઓની અને વડિલોની એક સરખી ભીડ જોવા મળે, આમ આદમી પણ અંગ્રેજી સમજી અને બોલી જાણે! મસમોટી નદીઓ, અફળાતો દરિયો અને લીલોતરી એકદમ છૂટા હાથે જ્યાં વેરાયેલી છે. દુકાનો-મકાનો પર જો ત્યાં જન્મેલા ન હોઈએ તો શીખવા-સમજવામાં એક જન્મ પણ ઓછો પડે એવી ભાષામાં લખાયેલા બોર્ડસ! હવામાં સાંભાર અને રસમની મહેક, પીળી રીક્ષાઓ અને લીલી બસો! કેળાનાં પાન અને સફેદ રંગોળીઓ, ગલગોટાનાં હાર અને સફેદ ભાત-આમલીની ચટણી! મંદિરોમાં ‘ગોપુરમ’ અને શરણાઈઓની ગુંજ સાથે ફરાતા લગ્ન-ફેરા! મોટેભાગે ચશ્મીષ્ટ રંગે કાળી પણ એકદમ સિન્સિયર છોકરીઓ, રાજકારણીઓ-ફિલ્મ સ્ટાર્સના પોસ્ટર્સ અને વિશાળ કટ-આઉટ્સની દુનિયા! આઈઆઈટી-આઈઆઈએમ ના સ્કોલર્સની દુનિયા! હજુ ક્લિકના થયું?!

ગુજરાતથી ૧૮૦૦-૨૦૦૦ કિલોમીટર દુર ભારતનો એક એવો હિસ્સો જે સમજવામાં મશક્કત કરવી પડે! જી હા, સાઉથ ઇન્ડિયા! ‘ભાષાભિમાન’ની દુનિયા! આજે વાત કરવી છે, અધૂરા અને અધકચરા મીડિયા કુપ્રચાર અને ‘મેન્ટલ બ્લોક’ના પ્રતાપે અહિયાં ગુજરાતમાં બેઠા અજાણ-અછૂતી જ રહી ગયેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મોની! એસ.એસ.રાજ્મૌલી નામનો ચાલિસીમાં જીવતો એક દિગ્દર્શક ૨૦૦૧ થી ફિલ્મો બનાવી રહ્યા છે, એમની યંગ જનરેશન ને ગમે એવી બાપ દિકરાની વાર્તા ‘સ્ટુડન્ટ નંબર વન’ થી લઈને, માગાધીરા જેવી પૌરાણિક ફેન્ટસી, મર્યાદા રમન્ના કે જે ઓલરેડી થર્ટીઝની બસ્ટર કિટનની ‘ધ હોસ્પિટલિટી’ ની રિમેક હતી, એ સિવાય પ્યોર કલ્પનાનાં ચિત્રો જેવી એક માખીના બદલાની વાર્તા એવી ‘ઇગા’ અને હવે ‘બાહુબલિ’ જેવી મેગ્નમ ઓપસ ફિલ્મ જે ૨૫૦ કરોડમાં બની એ તો બરાબર પણ આખા ભારતમાં જાણે કોઈ વાવાઝોડાની માફક ફરી વળી! ચારેકોર બસ એક જ ચર્ચા, કોઈ તેલુગુ ફિલ્મ આખા ભારતના મેઈન સ્ટ્રીમ સિનેમામાં આવી રીતે તરખાટ મચાવી દે, અમેરિકાના બોક્સ ઓફિસ પર કેટલાય મિલિયન ડોલર્સની ઝડી વરસાવે એ થી વધુ શું પ્રમાણપત્ર હોય કે સાઉથ ની ફિલ્મો કંઇક અલગ જ માટીની બનેલી હોય છે.

વેલ, સાઉથ સિનેમાની જયારે વાત નીકળે ત્યારે કેટલીક વસ્તુઓ સૌથી પહેલા મનમાં આવે. જૂની સાઉથની ફિલ્મોમાં હિરોલોગને કરાતો વિચિત્ર મેકઅપ, સ્પેશિયલ ઇફેક્ટસથી ભરપુર ફાઈટિંગ સીન્સ, ભરાવદાર કામુક એકટ્રેસિસ, હૈદરાબાદ-ચેન્નઈ-બેંગાલુરુના એક શહેરમાં જ ૧૭૦થી વધુ થિયેટર્સ અને મલ્ટિપલેક્સિસ તો અલગ! ચાલો, હકીકતથી રૂબરૂ કરાવવા માટે એક લોન્ગ ડ્રાઈવ પર જઈએ!               

Tamannah Bhatia, Oomph, Reloaded :)
Tamannah Bhatia, Oomph, Reloaded 🙂

કન્નડ અને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતા પહેલેથી જ તમિલ અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો વધુ પ્રભાવ! અંદરો અંદર હંમેશા ફિલ્મોની રીમેક બનાવવાના પકડ-દાવ ચાલે રાખે! એવો જાણે ત્યાં નિયમ છે કે જે ફિલ્મ એક દક્ષિણની ભાષામાં પ્રમાણમાં સારી ચાલે એટલે એની બાકીની સાઉથ રિમેક બનવી નક્કી જ હોય!  દર વર્ષે તમિલ અને તેલુગુ બંને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ૩૦૦ કરોડની સરેરાશ ઉથલ પાથલ ચાલે, ૧૫૦ કરતા વધુ ફિલ્મો દર વર્ષે રીલીઝ થાય છે! બોલો, છતાંય અહીં ગુજરાતમાં બેઠા બેઠા એવી ડફોળ માન્યતાઓ પ્રવર્તે છે કે સાઉથ ની ફિલ્મો એટલે પેલી ટીવી ચેનલ્સ પર આવતી એક ની એક વાસી મસાલાનો વઘાર મારેલી રેઢિયાળ ફિલ્મો!

થર્ટીઝનાં દાયકાથી ચાલી આવતી આ ઇન્ડસ્ટ્રીમાં એમ. જી. રામચંદ્રનથી કમલ હસન,રજનીકાંત થી અરવિંદ સ્વામી, અને અત્યારે અજિત, પવન કલ્યાણ, સિદ્ધાર્થ, સુર્યા, માધવન, વિક્રમ, મહેશ બાબુ અને પ્રભાસ નો સિક્કો વાગે છે! કમલ હસન એક ફિલ્મનાં લગભગ ૨૫ થી ૩૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે તો સુર્યા-પ્રભાસ અને ચિયાન વિક્રમ જેવા એક્ટર્સ લગભગ આઠ થી દસ કરોડ ચાર્જ કરે છે.

સાઉથની ફિલ્મોની વાત કરીએ અને ત્યાંની હિરોઈનની વાત ન કરીએ એ તો જ્ઞાતિનાં જમણવારમાં લાડુ-ભજિયાની બાદબાકી કર્યા જેવું કહેવાય! પેલી મલયાલમ ‘સી ગ્રેડ’ ની સેમી પોર્ન ફિલ્મો ની વાત નથી પણ ઓવરઓલ સાઉથ સિનેમામાં હિરોઈન્સ ઝીરો ફિગર ન ચાલે, ભરાવદાર અને અમેરિકામાં આવેલી ગ્રાન્ડ કેનિયન ખીણ જેવી ઊંડી ક્લિવેજ હોય તો લોકોમાં ધૂમ મચાવી દે છે! અંગ્રેજીમાં વોલપ્ચ્યુંઅસ કહી શકાય એવી વણાંકો થી ભરપુર હિરોઇન્સ નમિતા વાંકાવાલા (સુરતની ગુજરાતી બોમ્બશેલ), કાજલ અગરવાલ-સમાન્થા-ટાપસી પન્નુ જેવી જીવતી જાગતી અપ્સરાઓ, ઇલેના-આસિન-પ્રિયામણી જેવી ડસ્કી બ્લેક બ્યુટીઝ, ત્રિશા-ભાવના મેનન અને તમન્ના ભાટિયા જેવી સર્વ ગુણ સંપન્ન સુંદરીઓને તો જોઇને તો કરીના કે કેટરીના કચરો લાગે એની ગેરંટી!

કેરેક્ટર એક્ટરની વાત કરીએ તો નસીર (જીન્સ, હિન્દુસ્તાની, બોમ્બે, ડેવિડ અને હવે બાહુબલીમાં તો જોયા જ હશે!), પ્રકાશ રાજ (વન ઓફ ધ બેસ્ટ કેરેક્ટર એક્ટર એવર ઇન ઓલ સિનેમા!), આશિષ વિદ્યાર્થી, સયાજી શિન્દે (‘શૂલ’ ફેઈમ)ના નામ અનિવાર્ય છે. હવે તો સત્યરાજ (ચેન્નાઈ એક્સપ્રેસમાં દિપીકાનાં પિતા અને બાહુબલિનાં કટપ્પા), મુકેશ રિશી કે સદગત રઘુવરન જેવા વિલન એ શાકાલ કે મોગેમ્બો થી કમ નથી! સંગીતની વાત કર્યા વગર બધું જ અધૂરું છે! સિન્થેસાઇઝરના રણકતા અવાજ, ઈલ્લૈયારાજાનો ૧૯૭૮ થી ચાલી આવતો વારસો, રેવતીનું ‘મૌનારાગમ’ (યુ ટ્યુબ પર એની એક એક ટ્યુન સાંભળી દિલ બાગ બાગ થાય એની ગેરંટી!), ઈલ્લૈયારાજાનું  ‘દલપતિ’ હોય કે રેહમાનનું ‘રોજા’,’બોમ્બે’,’ થીરુડા થીરુડા’ ’અલઈ પયુથે’ (ઉછળતા મોજા!) (હિન્દી-સાથીયા), ‘અયુથા એઝુથું’ (હિન્દી-યુવા), દેવીશ્રી પ્રસાદનું ફિલ્મ ‘બોમ્માંરીલું’ (રમકડા ઘર)નું સંગીત, રહેમાન, ઈલૈયારાજા અને એમ.એમ.કિરાવાણીનું સંગીત અવ્વલ દરજ્જાનું હોય છે. સાઉથ સિનેમાના સંગીતમાં કર્નાટિક સંગીત અને ક્લાસિકલ સંગીતનો વારસો સાફ સાફ રિફલેક્ટ થાય છે.

સાઉથની ફિલ્મોમાં પાગલપન, એક પ્રકારની ‘એકસ્ટ્રીમીટી’ પણ એક બહુ જ મહત્વનું તત્વ છે. સિનેમા હોલ બહાર ટીકીટ માટેની બબ્બે કિલોમીટરની લાઈનો, ફિલ્મમાં હીરો દોસ્તો સામે એકદમ નેકેડ થઇ રસ્તા પર ચાલવાની શર્ત લગાડે! (જુઓ સિદ્ધાર્થ નું કાયમ તાજુ-માજુ લાગે એવું  ‘હેપ્પી ડેયઝ’), તો ‘૭/જી રેઇનબો કોલોની’ માં રવિ કૃષ્ણ પોતાને ગમતી છોકરી ને મનાવવા કઈ હદ સુધી જાય એ ફિલ્મ જોશો તો જ સમજાશે! સુપરસ્ટારની ફિલ્મો રિલીઝ થાય ત્યારે દૂધના અભિષેક થાય, થિયેટર્સની બહાર શ્રીફળ વધેરવામાં આવે, આંધ્રમાં તો ક્યારેક બલી પણ ચઢાવાય છે. આંધ્રપ્રદેશના સુપર સ્ટાર મહેશ બાબુ જે ‘પ્રિન્સ’ ના નામે ઓળખાય છે, મહેશ બાબુ ની લોકપ્રિયતા ત્યાં શાહરુખ ખાન કરતા પણ વધુ છે! તો રજનીકાંત-ચિરંજીવીના ભક્તો-મંદિર તો જગ જાહેર છે!

ફાઈટિંગ સીન્સનું તો શું કહેવું, ‘સૈનીકુડુ’ હોય કે ‘પોકિરી (રખડું)’ જેના પરથી સલમાન ની ‘વોન્ટેડ’ બની કે પછી એ.આર.મુરુગાદાસ ની ‘ગજીની’, માથામાં નળ ખોસી દેવાના કે પગમાં ખીલ્લા ઠોકી દેવાના દ્રશ્ય કોઈને પણ હચમચાવી દે! કાયમ વિઝ્યુઅલ ઈફેક્ટસનો ભરપુર ઉપયોગ, ફાઈટ્સમાં હંમેશા લાર્જર ધેન લાઈફ અપ્રોચ બતાવવાની ટેવ સાઉથની ફિલ્મોને ક્યારેક હાસ્યાસ્પદ બનાવે છે એ પણ હકીકત છે. સુપરસ્ટાર રઘુવરન કે વિષ્ણુ વર્ધનના મોત કે તમિલ લેજન્ડ એક્ટર ડો.રાજકુમારના અપહરણ પછી તો રીતસર તોફાનો ફાટી નીકળેલા!  બીજી તરફ શંકર જેવા ડિરેક્ટર પોતાની ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટસ થી હજારો-લાખો ઘેટા-બકરા, હજારો ટીવી તૂટતા બતાવે!, હૈદરાબાદમાં ૨૦૦૦ એકર વિસ્તારમાં ફેલાયેલું રામોજી ફિલ્મ સીટી આપણને યુનિવર્સલ સ્ટુડીયોની યાદ અપાવે!

Bommarilu (2006) Sidhharth & Genelia
Bommarilu (2006) Sidhharth & Genelia

સાઉથની ફિલ્મોનાં બજેટ એક એવરેજ હિન્દી ફિલ્મો કરતા અનેક ગણા વધુ હોય છે, તમિલ અને તેલુગુ ફિલ્મો આરામ થી વિદેશમાં શૂટ થાય છે. પેલું અતિ પોપ્યુલર ‘વંદે માતરમ’ સોંગ લેજન્ડરી સેલિબ્રીટીઝ સાથે પ્રોડ્યુસ કરનારા દિગ્દર્શક ભારત બાલાની ફિલ્મ ‘મરીયાન’ જોજો, ધનુષનો અભિનય અને ગલ્ફ કન્ટ્રીઝમાં નોકરી માટે જઈ ત્યાં ફસાઈ જતા ભારતીયોની વાર્તા એ તો હિન્દી ફિલ્મોમાં ક્યારે આવા વિષયો પર પ્રયત્નો પણ થયા? હવે તો દર ચોથી હિન્દી ફિલ્મ એ સાઉથ સિનેમાની રિમેક હોય છે! સાઈઠ થી સવાસો કરોડ જેવા તોતિંગ બજેટમાં બનતી કથ્થી, કોચદયાન, વિશ્વરૂપમ, એન્ધિરન, આઈ અને હવે બાહુબલિ તો ૨૫૦ કરોડનાં હાઈએસ્ટ બજેટમાં બની છે! છતાં પણ કાયમ અદેખાઈ અને બીજા કેટલાય કારણો થી સાઉથ નું સિનેમા એ મુંબઈ અને દિલ્હી સુધી પહોંચી નથી શકતું! જયારે રિમેક બને ત્યારે લોકોને થાય કે ઓહો, આટલી સરસ ફિલ્મ સાઉથ ની રિમેક છે?

જયારે કોઈ કોરિયન કે ઇટાલિયન ફિલ્મ બને તો ભોળી જનતા ને કોઈ ગતાગમ ન હોય, અને પછી વિક્રમ ભટ્ટ કે મોહિત સૂરી જેવા ઉધારીયા એના પર હિન્દી ફિલ્મ બનાવે તો સૌને ગમે, એવું જ કંઇક સાઉથ સાથે થઇ રહ્યું છે. દક્ષિણ ભારતની ફિલ્મોનું સ્ટાન્ડર્ડ હોલિવુડની કક્ષાનું થઇ રહ્યું છે એની સાક્ષી તો રાજમૌલી જેવા દિગ્દર્શકએ સાબિત કરી જ આપ્યું છે, પણ સમય પાકી ગયો છે કે આવનારા દિવસોમાં પુરા ભારત અને વિશ્વ એ સાઉથની ફિલ્મો તો ફેક-મસાલા જ હોય એ ભૂલી એની કદર કરવી પડશે! ગુજરાતી ફિલ્મો એ તો ખાસ સાઉથ સિનેમા પાસે થી ધડો લેવા જેવો છે, મરાઠી અને બંગાળી સિનેમા તો એકદમ આલા દરજ્જાનું છે જ, પણ સાઉથ સિનેમાની ફિલ્મોને એની જ ભાષામાં અંગ્રેજી સબટાઈટલ સાથે જોયા પછી જ એની કદર થઇ શકે! આવતા વર્ષે બાહુબલિનો આખરી ભાગ ‘કનક્લુઝન’ આવી રહ્યો છે ત્યારે દક્ષિણના મણી રત્નમ-રાઘવેન્દ્ર રાવ-મુરુગાદોસ-રાજમૌલી-શંકર જેવા સર્જકોને બિરદાવવા એ તો પુણ્યનું કામ છે!   ********************

પાઇડ પાઈપર:  

Remember S.S.Rajamauli is to be respected, adored, loved and celebrated as an Indian maestro director, and not a Telugu Filmmaker alone shedding off that sick, biased and racist approach for good! – ધાંસુ ફિલ્મ પંડિત બોબી સિંઘ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s